રાજકોટ: પ્રેમ લગ્નની પરિવારે ના પાડતા યુવતી રીસાણી અને…

મુગ્ધાવસ્થાના આકર્ષણમાં ઘણી વખત યુવક-યુવતીઓ પોતાની જાતને અને પરિવારજનોને મુશ્કેલીમાં મુકી દે છે. પરિવારે પ્રેમ લગ્નની ના પાડતા ઘર છોડીને જતી રહેલી યુવતીને અભયમના સ્ટાફ અને કાઉન્સિલરે સમજાવટનો ઘૂંટ પીવડાવી પરિવારજનોને પરત સોંપતા પંખીનો માળો વિખેરાતા રહી ગયો હતો.
રરમીના રોજ અભયમ્ને રાત્રે પોણા ત્રણ વાગ્યે ફોન આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે રાજકોટ શહેરમાં રહેતી ર૦ વર્ષની એક યુવતી મળી આવેલ છે જે પોતાના ઘરે જવા માગતી નથી. જેથી ૧૮૧ મહિલા હેલ્પલાઈનને આ વિશે માહિતી અપાતા રાજકોટ સ્થિત ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક ઉભેલી યુવતી પાસે રેસ્ક્યુ વાને પહોંચી સમસ્યાની જાણકારી મેળવી હતી. જેમા યુવતીએ જણાવ્યું હતું કે ‘મારા પપ્પાએ મને મારકુટ કરતા ઘરની બહાર નીકળી ગઈ છું. મારે હવે ઘરે જવું નથી.’
મારકુટ કરવાનું કારણ પુછતા તેણીએ કોઈ યુવક સાથે પ્રેમલગ્ન કરવા માંગતી હતી પરંતુ પાત્ર યોગ્ય ન હોવાથી પરિવારના સભ્યો લગ્ન કરાવી આપવા રાજી ન હોવાનું જણાવ્યું હતું. જેથી ૧૮૧ના કાઉન્સેલર કૃપાલી ત્રિવેદી અને સરલાબેન ભોયા દ્વારા યુવતીના ઘરનુ સરનામુ પુછી તેણીને સમજાવટ કરાઈ હતી. યુવતીને સામાજિક અને વાસ્તવિક જીવન, ભવિષ્યનું માર્ગદર્શન આપતા તેણીને પોતાની ભૂલ સમજાઈ હતી. તેમજ પરિવારજનોને પણ યુવતીને મારકુટને બદલે સમજાવટ અને સહાનુભૂતિથી કામ લેવા સમજાવવામાં આવ્યા હતા.
The post રાજકોટ: પ્રેમ લગ્નની પરિવારે ના પાડતા યુવતી રીસાણી અને… appeared first on Sandesh.