૧૯૯૬ બાદ પહેલી વાર સ્વ.જયલલિતાનાં નિવાસ પર દરોડા

ચેન્નઈ, તા. ૧૮
બેહિસાબ સંપત્તિ માટે બેંગલોરની જેલમાં સજા ભોગવી રહેલાં એઆઈએડીએમકેનાં નેતા શશિકલા પર સકંજો વધુ મજબૂત બનાવતાં આવકવેરા વિભાગે અદાલતના આદેશ મળ્યા બાદ શુક્રવારે રાત્રે ૯ કલાકે જયલલિતાનાં નિવાસસ્થાન પર દરોડો પાડયો હતો. આવકવેરા વિભાગના અધિકારીઓએ જયલલિતાનાં નિવાસસ્થાનમાં શશિકલા દ્વારા ઉપયોગમાં લેવાતા બે ઓરડામાંથી લેપટોપ, એક ડેસ્કટોપ અને કેટલીક પેનડ્રાઇવ જપ્ત કર્યાં હતાં. ૧૯૯૬ બાદ પહેલી વાર એઆઈએડીએમકેના પૂર્વ વડા સ્વ. જયલલિતાનાં નિવાસસ્થાન પર આવકવેરા વિભાગે દરોડો પાડયો હતો.

ટોયલેટ ડે: મંત્રીનો રસ્તાના કિનારે ખુલ્લામાં પેશાબ કરતો વીડિયો વાયરલ થતાં ફજેતો

વિશ્વ ટોયલેટ ડે પર મહારાષ્ટ્રના જળ સંસાધન મંત્રી રામ શિંદે શોલાપુમાં ખુલ્લામાં પેશાબ કરતાં કેમેરામાં કેદ થઇ ગયા. હવે તેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. એવા સમયે જ્યારે મહારાષ્ટ્ર સરકાર ખુલ્લામાં શૌચથી મુક્તિનું અભિયાન ચલાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વચ્છ ભારત મિશનને આગળ વધારી રહ્યાં છે. શિંદા કારજાટ જામખેડ વિધાનસભા સીટ પરથી ભાજપાના ધારાસભ્ય છે.

સોનિયા ગાંધીએ બોલાવી બેઠક, રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ બનવાનું નક્કી!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસનાં વર્તમાન અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે કોંગ્રેસ કારોબારી સમિતિ (સીડબ્લ્યુસી)ની બેઠક બોલાવી છે.

આતંકવાદીના જનાજામાં ISના સૂત્રોચ્ચાર, ‘કાશ્મીર બનશે દારૂલ ઇસ્લામ’

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા બળો સાથેની અથડામણમાં મૃત્યુ પામેલ આતંકીને દફનાવા જવા પર મોટી સંખ્યામાં ભીડ ઉમટીને ઇસ્લામિક સ્ટેટના સમર્થનમાં સૂત્રોચ્ચાર થયાની વાત સામે આવી છે. શ્રીનગર-ગુલમર્ગ રોડ સ્થિત પાંપોર વિસ્તારમાં આતંકીને દફનાવાતા સમયે તમામ લોકોએ ઇસ્લામિક સ્ટેટ અને ઝાકિર મૂસાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. એટલું જ નહીં અહીંના લોકોએ અલગતાવાદી સંગઠન હુર્રિયત કોન્ફરન્સ અને સુરક્ષા બળોની વિરૂદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા.