'કોંગ્રેસ રોજગાર નિર્માણમાં નિષ્ફળ, મોદી પણ'

એજન્સી : નવી દિલ્હી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વીકાર્યું છે કે યુપીએ સરકારે એક દિવસમાં 30,000 નોકરી આપવાનું જે વચન આપ્યું હતું તે પૂરૂ કરવામાં નિષ્ફળ રહી હતી. જોકે, આ સાથે તેમણે તે પણ કહ્યું હતું કે વર્તમાનમાં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકાર પણ નોકરીને લઈને તેમણે આપેલું વચન પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેશે. અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકો અમારાથી નારાજ હતા કેમ કે અમે પ્રતિ દિવસ 30,000 નોકરી આપવાનું જે વચન આપ્યું હતું તે પૂરૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

જાપાન ઓપન: સિંધૂ-સાયના બીજા રાઉન્ડમાં

ટોકિયો: તાજેતરમાં જ કોરિયન ઓપન ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કરનાર દેશની બેડમિન્ટન સ્ટાર પી વી સિંધૂએ તેનું દમદાર પ્રદર્શન યથાવત્ રાખતા જાપાન ઓપન સુપર સીરિઝમાં પ્રથમ રાઉન્ડમાં જાપાનની મિનાત્સુ મિતાનીને આસાનીથી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત એક સપ્તાહના વિરામ બાદ ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ અને કિદાંબી શ્રીકાંતે પણ પ્રથમ રાઉન્ડમાં સફળતા મેળવતા બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ઓલિમ્પિકમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર સિંધૂએ વિજય રથ આગળ વધારતા જાપાનની મિતાનીને પ્રથમ રાઉન્ડમાં 12-21, 21-15, 21-17થી હરાવી હતી.

રાહુલ ત્રણ પેઢીનો હિસાબ આપે, અમે ત્રણ વર્ષનો આપીશું: શાહ

દેહરાદૂન: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેહરાદૂનના પ્રવાસના બીજા દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો હતો. અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને એક સમ્મેલનમાં સંબોધન કર્યું હતું.

જાણો, નવરાત્રિમાં ક્યારે ઘટ સ્થાપન કરવું જોઈએ

નવગુજરાત સમય, અમદાવાદ: ૨૧ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે અખંડ શારદીય નવરાત્રિ આવી છે એટલે કે વૃદ્ધિ તિથિ કે ભાગી તિથિ વગરની નવરાત્રિ આવી રહી છે. શહેરમાં નગરદેવી ભદ્રકાળી મંદિર સહિત અનેક માઈ મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળશે. મા જગદમ્બાની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે, એમ કહી શાસ્ત્રજ્ઞ કંદર્પભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે આ વર્ષે જે અખંડ નવરાત્રિ આવી છે, તેમાં મા જગદમ્બાની કૃપા મેળવવા માટે ‘ઓમ્ ઐં હ્રીં ક્લીં ચામુન્ડાયૈ વિચ્ચૈ’ મંત્રનો જાપ કરવો જોઈએ. શક્રાદય સ્તુતિ કરવી જોઈએ. સપ્તશ્લોકી દુર્ગા સ્તોત્રનો જાપ પણ કરી શકાય છે.

પેટ્રોલના ભાવ મુદ્દે જેટલીનો વિપક્ષ પર વાર

નવી દિલ્હી: પેટ્રોલના વધી રહેલા ભાવ પર વિપક્ષની ટીકાઓનો અરૂણ જેટલીએ જવાબ આપ્યો છે. તેમણે બુધવારે કેબિનેટની મીટિંગ પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- જે લોકો હોબાળો કરી રહ્યા છે, જ્યારે તે લોકો સરકારમાં હતા તો 11% ઇનફ્લેશન (ફુગાવો) હતું. બે વર્ષ પહેલા સુધી જ્યારે પેટ્રોલના ભાવ ઓછા થતા હતા તો દિલ્હી, હરિયાણા, પંજાબ અને હિમાચલની સરકારો તેટલો જ VAT વધારી દેતી હતી. હું તેમને કહેવા માંગું છું કે કોંગ્રેસ અને સીપીએમની હવે જ્યાં રાજ્ય સરકારો છે, તેઓ કહી દે કે તેમને પેટ્રોલમાંથી ટેક્સ નથી જોઇતો, પછી તે તેમના રાજ્યનો હોય અથવા કેન્દ્રને મળતા ટેક્સમાં તેમનો હિસ્સો હોય.