આજે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન થશે

આવતીકાલે શનિવારે સવારે ૮-૦૦ વાગ્યે ભગવાનના સોનાવેશના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે.  જેમાં વિશેષ પ્રકારના આભૂષણો અને સાજ શણગાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. બપોરે૩-૦૦ વાગ્ય મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજનવિધિ, સાંજે ૪-૦૦ વાગ્યે શહેર શાંતિ સમિતિની મુલાકાત, સાંજે ૬-૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા વિશેષ પૂજા-આરતી અને સાંજે ૮-૦૦ વાગ્યે મહાઆરતીનું આયોજન છે.

સંતરામપુર હોસ્પિટલમાંથી ગંદા પાણીનો નિકાલ કરવા માંગ

સંતરામપુર નગરમાં આવેલી વિશાળ સ્ટેટ હોસ્પિટલ જ્યાં સંખ્યાબંધ દર્દિઓ ગ્રામ્ય વિસ્તારમાંથી સારવાર માટે આવતા હોય છે. અને કેટલાક દર્દિઓ અહીંયા દાખલ હોય છે. આ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગંદા પાણીના નિકાલ કરવા માટેનો લાઈનો ચોકઅપ થઈ જતા સંખ્યાબંધ દર્દિઓ અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવેલો છે. આના નિકાલ માટે સ્ટેટ હોસ્પિટલ અધિક્ષકને લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરી છતાંય આનો નિકાલ કરવામાં આવેલ નથી. એક માસથી આ હોસ્પિટલમાં કાદવ-કીચ્ચડથી ઊભરાતી ગટરનો ક્યારે નિકાલ આવશે.

અમદાવાદમાં આખરે મેઘરાજાનું આગમન

અમદાવાદ શહેરમાં આજે મોડી સાંજે જોરદાર વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને છેલ્લા કેટલાક દિવસથી ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. આજે મોડી સાંજે જોરદાર વરસાદની શરૂઆત થઇ હતી જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તીવ્ર ગરમીનો અનુભવ લોકો હાલ કરી રહૃાા હતા. અમદાવાદ માટેની સ્થાનિક આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ગાજવીજ સાથે તથા પવન સાથે વરસાદનો દોર હવે જારી રહેશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.ર અને લઘુત્તમ તાપમાન ર૮.૬ ડિગ્રી નોંધાયું હતું. આજે સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને મોડી સાંજે વરસાદની શરૂઆત થઇ હતી.

ચૂંટણીના વર્ષમાં ગુજરાત કોંગ્રેસમાં જુથબંધી ડામવા ગુજરાત કોંગ્રેસની સંગઠન અને ચૂંટાયેલી પાંખની નેતાગીરી બદલવા માટેની ફોર્મ્યુલા

ગુજરાતમાં ચૂંટણીના વરસમાં પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીમાં પ્રવર્તતી જુથબંધી સપાટી પર આવતા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી જવા સુધી વ્યકત કરેલી નારાજગી બાદ કોંગ્રેસના દિલ્હી હાઈકમાન્ડે ગુજરાતના મામલાને ગંભીરતાથી લઈને રાજ્યમાં ટોચની નેતાગીરી ધરમૂળથી બદલવાની ફોર્મ્યુલા તૈયાર કરી તાત્કાલિક અમલ કરવા નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. જેમાં પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના પક્ષના નેતા બંનેને બદલીને તેમના સ્થાને અનુક્રમે અર્જુન મોઢવાડિયા અને પરેશ ધાનાણીને સ્થાન આપવા વિચારણા કરી છે.

બારકોસાઈન સીડ્સ ખરીદવાની અને વધુ નફાની લલચામણી જાહેરાતો કરી કરોડોની છેતરપીંડી કરનારી ત્રિપુટી પકડાઈ

બારકોસાઈન સીડ્સ ખરીદવાની તથા વધુ નફાની લલચામણી જાહેરાતો આપી કરોડોની છેતરપીંડી આચરનારાના નાઈજીરિયાના બે યુવાન અને નવી મુંબઈ મહિલાને પોલીસે ઝડપી પાડ્યા હતાં.